Monday, September 26, 2022
HomeVadodaraવડોદરાની SSG હોસ્પિટલમાં શું ધમણ-1 વેન્ટીલેટરના કારણે આગ લાગી?

વડોદરાની SSG હોસ્પિટલમાં શું ધમણ-1 વેન્ટીલેટરના કારણે આગ લાગી?

વડોદરાની SSG હોસ્પિટલના કોવિડ-19 ICU વોર્ડમાં આગ લાગ્યા બાદ ધમણ-1 વેન્ટીલેટર પર ફરી સવાલો ઉઠી રહ્યા છે.

વડોદરાની SSG હોસ્પિટલના કોવિડ-19 ICU વોર્ડમાં આગ લાગ્યા બાદ અફરાતફરીનો મહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનામાં ડોક્ટર્સની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી. આગની આ ઘટનામાં ICUમાં રાખેલું ધમણ1 વેન્ટીલેટર સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયું હતું. વડોદરા પોલીસે બુધવારે આગના સ્થળની તપાસ કરી હતી અને કહ્યું કે, આગ વેન્ટીલેટરના કારણે લાગી અથવા અન્ય કોઈ કારણથી તે મામલે FSLની ટીમ તપાસ કરી રહી છે.
જો આ આગનું કારણ ધમણ-1 વેન્ટીલેટર નીકળે છે, તો સરકાર માટે આ ખૂબ જ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ધમણ-1ને ગાંધીનગરના NABL- એક્રેડિએટ ઈલેક્ટ્રિક એન્ડ ક્વોલિટી ડેવલપમેન્ટ સેન્ટર તરફથી ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રિક સર્ટિફિકેશન અને સેફ્ટી પરફોર્મેન્સ ટેસ્ટનું સર્ટિફિકેટ પણ અપાયું હતું. આવા કિસ્સામાં રૂપાણી સરકારની છબીને પણ નુકસાન થઈ શકે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના મુખ્ય મેડિકલ ઓફિસરે પણ રાજ્યને પત્ર લખીને કહ્યું હતું કે, તેમના એનેસ્થેસિયા વિભાગના હેડ મુજબ, ધમણ વેન્ટીલેટરથી ધાર્યા પરિણામ નથી મળી રહ્યા. આ બાદ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ 20 મેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સ્વાસ્થ્ય અને પરિવાણ કલ્યાણ મંત્રાલયે 11 ફેબ્રુઆરી 2020એ બહાર પાડેલા નોટિફિકેશનમાં 1લી એપ્રિલ 2020થી વેન્ટીલેટર મેન્યુફેક્ચર્સ માટે લાઈસન્સ લેવું ફરજિયાત નથી.
કોણે બનાવ્યું છે ધમણ-1 ?
રાજકોટની કંપની જ્યોતિ CNCએ રાજ્ય સરકારને એપ્રિલમાં 1000 ધમણ વેન્ટીલેટર સપ્લાય કર્યા હતા. જોકે બાદમાં ધમણ-1 વેન્ટીલેટર ન હોવાની વાતો સામે આવી હતી ત્યારે સરકારે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધમણને ક્યારેય વેન્ટીલેટર નથી કહ્યા.
આ પહેલા અમારા સહયોગી અમદાવાદ મિરરે પણ પોતાની રિપોર્ટમાં ધમણ-1 ‘નકલી’ વેન્ટીલટરના અહેવાલો 18 મેથી 30 મે દરમિયાન પ્રકાશિત કર્યા હતા. જેમાં વેન્ટીલેટર માટે DGCIનું લાઈસન્સ નહોતું લેવાયું અને વેન્ટીલેટરનું ટ્રાયલ માત્ર એક જ વ્યક્તિ પર કરાયું હોવાનું જણાવ્યું હતું.

વડોદરાની હોસ્પિટલમાં આગ મામલે રાવપુરાના PI વીએન મહિડાએ કહ્યું, SSG હોસ્પિટલની આગમાં જે વેન્ટીલેટર બળીને ખાક થયું તે ધમણ-1 હતું. FSLની ટીમે સાઈટ પરથી સેમ્પલ લીધા છે અને મામલાની તપાસ કરી રહી છે. તેમની રિપોર્ટ બાદ જ આગ ક્યાંથી લાગી તે મામલે સ્પષ્ટતા થઈ શકશે.

જ્યારે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન અય્યરે અમારા સહયોગી અમદાવાદ મિરરને કહ્યું કે, અમે ધમણ-1, અપગ્રેડેડ ધમણ-3 અને BHEL દ્વારા બનાવેલા જુદા જુદા વેન્ટીલેટર અને મશીનોનો ઉપયોગ કરીએ છીએ. આગ લાગેલું વેન્ટીલેટર એટલું ગંભીર રીતે બળીને રાખ થયું છે કે તે કયુ મોડલ હતું ઓળખવું અશક્ય છે.

સરકારે તપાસ સમીતિની રચના કરી
રાજ્ય સરકારે આગનું કારણ જાણવા બુધવારે એક તપાસ સમિતીની રચના કરી છે. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ હેઠળ આગનું કારણ જાણવા ચાર સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. કમિટીમાં વડોદરાના DyMC સુધિર પટેલ, GMERS ગોત્રીના ડિન ડો. વર્ષા ગોડબોલે, SSGના મદદનીશ પ્રોફેસર ડો. નિતા બોઝ અને MGVCLના મુખ્ય એન્જિનિયર બી.જે દેસાઈ છે.SSGના સુપ્રિટેન્ડેન્ટ ડો. અય્યરે કહ્યું કે, સ્ટાફે મને જણાવ્યું કે થોડા પણ આરામ વિના 24×7 હાઈ ઓક્સીઝન લેવલ પર ચાલતા વેન્ટીલેટરમાં કદાચ આગ લાગી હોઈ શકે છે. જોકે અમે પેનલની રિપોર્ટ સબમિટ થાય ત્યાં સુધી રાહ જોઈશું.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ધમણ-1 વેન્ટીલેટર પર ઘણા સવાલો ઉઠી ચૂક્યા છે. ત્યારે રાજ્ય સરકારની આ તપાસ કમિટીની રિપોર્ટમાં આગ લાગવા માટે શું કારણ જવાબદાર માનવામાં આવે છે તે તેવું રહ્યું.

RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments