- ભરશિયાળે 1 ઇંચ વરસાદથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો, આજે પણ આગાહી
- લઘુતમ-મહત્તમ પારામાં માત્ર 2.80નો ફેર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે શહેરમાં ગુરુવાર રાતથી શરૂ થયેલો વરસાદ ધીમીધારે શુક્રવારે પણ વરસ્યો હતો. 2017 બાદ ફરી ડિસેમ્બરમાં વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં 1 ઈંચ જેટલો કમોસમી વરસાદ વરસતા ગરમીનો પારો 12 ડિગ્રી ઘટી ગયો છે.મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે 2.8 ડીગ્રીનું જ અંતર રહેતા હિલ સ્ટેશનનો માહોલ સર્જાયો હતો.
નોકરી-ધંધા પર વહેલી સવારે નીકળેલા રહીશોને સ્વેટરની જગ્યાએ રેઈનકોટ પહેરવાનો વારો આવ્યો હતો.બીજી તરફ શહેરમાં જ્યાં-ત્યાં ખાડા ખોદાયેલા હતા ત્યાં પાણી ભરાઈ જતા રોડ કિચડથી ગરકાવ જોવા મળ્યાં હતાં. અગાઉ વર્ષ 2017માં ડિસેમ્બરમાં વરસાદ થયાં બાદ આ વર્ષ 2020માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે કમોસમી વરસાદ વરસતા પાકને નુકશાન પહોચ્યું છે.શનિવારે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. ગુરૂવારે સાંજે 6 વાગ્યાથી છાંટા પડવાનું શરૂ થયું હતું. મોડી રાતે 12 વાગ્યાથી શુક્રવારે રાત સુધી વરસાદ વરસતો રહ્યો હતો. જેથી ઠંડક પ્રસરી ગઈ હતી. શુક્રવારેગરમી 34.6 ડીગ્રીથી ઘટીને 22.2 ડિગ્રી થઇ હતી. જયારે ઠંડી 19.4 ડિગ્રી નોંધાઇ હતી.
24 કલાકનો વરસાદ | |
વડોદરા | 23 મી.મી |
કરજણ | 14 મી.મી |
ડભોઈ | 12 મી.મી |
ડેસર | 02 મી.મી |
પાદરા | 10 મી.મી |
વાઘોડિયા | 04 મી.મી |
સાવલી | 01 મી.મી |
શિનોર | 05 મી.મી |