- વડોદરા પોલીસ કમિશનરે તપાસ સોપ્યા બાદ અનાર્મ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો
- સસ્પેન્ડ કરાયેલો પોલીસકર્મી વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતો હતો
- પોલીસકર્મીએ પોતે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાની ખોટી માહિતી આપી હતી
વડોદરામાં બુધવારે માસ્ક વિના બાઈક પર જઈ રહેલા પોલીસકર્મીનો વાઈરલ વીડિયો બાદ પોલીકકર્મીને સસ્પેન્ડ કરવાનો પોલીસ કમિશનરે આદેશ કર્યો છે. આ વિડીયોમાં જોવા મળ્યું હતું કે, આ માસ્ક વગરના પોલીસ કર્મીનો અન્ય બાઇક પર જઇ રહેલા બે યુવકોએ પીછો કરીને તેને અટકાવ્યો હતો અને દંડ ભરવા રજૂઆતો કરી હતી. આ પોલીસ કર્મી નંબર પ્લેટ વગરની બાઇક પર હોવાથી મુદ્દો ગરમાયો હતો.
પોલીસ તપાસમાં પોલીકર્મી કંટ્રોલરૂમમાં ફરજ બજાવતો હોવાનું ખુલ્યું
વિડીયોમાં જોવા મળ્યું હતું કે, બે યુવકોએ આ પોલીસ કર્મચારીને તમે કેમ માસ્ક પહેર્યું નથી અને નંબર પ્લેટ વગરની ગાડી ચલાવો છો તેમ જણાવી દંડ ભરવા જણાવી રકઝક કરતા જોવા મળ્યા હતા. પૂછપરછમાં પોલીસકર્મીએ પોતે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. જોકે બાપોદ પોલીસે જણાવ્યું હતું કે વિડીયોમાં જોવા મળતો પોલીસ કર્મી બાપોદ પોલીસ સ્ટેશનનો નથી. જોકે વડોદરા શહેર પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા બાદ આ પોલીસકર્મી વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો રમેશ ગોવિંગભાઈ હોવાનું બહાર આવ્યું હતું અને તેનો ખુલાસો મેળવ્યા બાદ પોલીસ કમિશનરે તેને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા.
લોકોમાં પોલીસ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે
ઉલ્લેખનીય છે કે, રોજબરોજ ચેકિંગ કરી નાગરિકો માસ્ક વિના પકડાય તો રૂા. 1 હજારનો દંડ વસુલાય છે. જેને લઇને ભારે નારાજગી વ્યાપી છે. રોજબરોજ વાહનલચાલકોના પોલીસ સાથે માસ્ક મુદે ઘર્ષણના બનાવો બનતા રહે છે. ત્યારે કાયદાનું પાલન કરવાની જવાબદારી જેમની બને છે તે પોલીસ કર્મચારીઓ જ માસ્ક વિનાના ફરતા હોવાનો વિડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી હતી.