- ગુજરાતના અનેક શહેરોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા.
- દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ આવતો રહે છે
સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ સોમવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. જેને પગલે દેશના અનેક મહાનગરોમાં પેટ્રોલ (Petrol Price Today) અને ડીઝલ (Diesel Price Today) ના ભાવમાં વધારો થયો છે. આ સાથે જ ગુજરાતના અનેક શહેરોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. ગુજરાતના વિવિધ શહેરોના પેટ્રોલ ડીઝલ (Petrol-Diesel)ના ભાવ પર એક નજર કરીએ.
અમદાવાદમાં નવો ભાવ
મહાનગર અમદાવાદમાં ફરીથી એક વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલમાં 7 પૈસા અને ડીઝલમાં 18 પૈસાનો વધારો નોંધાયો છે. તો આવનારા દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલ 80 રૂપિયા લીટર થઈ શકે છે. ત્યારે આ ભાવ વધારા સામે અમદાવાદીઓ વિરોધ દર્શાવી રહ્યાં છે. અમદાવાદીઓની માંગ છે કે, સરકારે પેટ્રોલમાં ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ.
વડોદરામાં નવો ભાવ
તો વડોદરામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. આજે મંગળવારે વડોદરામાં પેટ્રોલનો 78.70 રૂપિયા છે અને ડીઝલનો 76.53 રૂપિયા છે. છેલ્લા 5 દિવસમાં પેટ્રોલના ભાવમાં 56 પૈસાનો વધારો થયો છે. અને ડીઝલના ભાવમાં 5 દિવસમાં 1.05 રૂપિયાનો વધારો થયો છે.
સુરતમાં નવો ભાવ
સતત પાંચમા દિવસે સુરતમાં સતત પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સુરતમાં આજે પેટ્રોલનો ભાવ 79.11 અને ડીઝલનો ભાવ 76.97 થયો છે. ગઈકાલે અન્ય શહેરોની જેમ સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો હતો. ગઈકાલે સુરતમાં પેટ્રોલમાં 6 પૈસા અને ડીઝલમાં 17 પૈસાનો વધારો થયો.હતો.
રોજ બદલાય છે ભાવ
ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ આવતો રહે છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય બાબતો જોડ્યા બાદ તેના ભાવ લગભગ ડબલ થઈ જાય છે.