Tuesday, November 30, 2021
HomeNewsદિવાળીની ખરીદીમાં બહિષ્કાર વિસરાયો:વડોદરામાં ભારતીય લાઇટિંગ રૂ. 70ની સામે ચીનની રૂ. 30માં...

દિવાળીની ખરીદીમાં બહિષ્કાર વિસરાયો:વડોદરામાં ભારતીય લાઇટિંગ રૂ. 70ની સામે ચીનની રૂ. 30માં મળે છે, 40 રૂપિયા બચાવવા ચાઈનાની લાઇટિંગની ધૂમ ખરીદી

  • ચીનના ભારત સાથેના બગડેલા સંબંધોને ભૂલીને લોકો ચાઈનાના રંગબેરંગી લાઇટિંગ અને કેન્ડલ સહિતની વસ્તુઓ ખરીદી રહ્યા છે
  • વેપારીઓએ આ વર્ષે ચાઈનો માલ ખરીદ્યો નથી, પરંતુ, ગત વર્ષનો પડી રહેલો લાખ્ખો રૂપિયાનો ચાઈનાનો માલ વેચી રહ્યા છે

કોરોનાની મહામારી વચ્ચે આવી રહેલા પ્રકાશ પર્વ દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વડોદરાના લોકો કોરોનાની મહામારીની દહેશત અને કમરતોડ મોંઘવારીને ભૂલીને પ્રકાશ પર્વ દિવાળીને મનાવવા સજ્જ થઇ રહ્યા છે. છેલ્લા બે દિવસથી વડોદરાના બજારોમાં ખરીદીનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. જેમાં લોકો ચીન સાથે દેશના બગડેલા સબંધોને ભૂલીને ચાઇનાની સસ્તી ચિજવસ્તુઓની ધૂમ ખરીદી કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને ઘરને રોશનીથી ઝળહળા કરતા રંગબેરંગી લાઇટિંગ(ઝબુકીયા), કેન્ડલ, કોડીયા, ઇલેકટ્રોનિક્સ દીવડા, ઝુમ્મર સહિતની ચિજ વસ્તુઓની ધૂમ ખરીદી કરી રહ્યા છે. ગ્રાહકો જણાવી રહ્યા છે કે, કારમી મોંઘવારીમાં અમોને સસ્તી અને સારી વસ્તુ મળી રહે તે માટે ચાઈનાની વસ્તુ ખરીદી રહ્યા છે.

ભારતીય બનાવટના ઝબુકીયા 70 રૂપિયાના, ચાઈનાના ઝબુકીયા 30 રૂપિયામાં મળે છે
ચીન સાથે સબંધો બગડતા વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં ચાઇનાની ચિજવસ્તુઓ બહિષ્કાર કરવાનો સૂર ઉઠ્યો હતો, પરંતુ, જેમજેમ સમય પસાર થતાં લોકો પુનઃ ચાઈનાની ચિજવસ્તુઓ ખરીદવા તરફ વળી ગયા છે. જેમાં ખાસ કરીને આગામી આવી રહેલી દિવાળી પર્વમાં બજારોમાં ચાઈનાની સસ્તી અને સારી વિવિધ ચિજ વસ્તુઓ આવતા લોકો મનમૂકીને ચાઈનાની ચિજવસ્તુઓ ખરીદી કરી રહ્યા છે. પ્રકાશ પર્વ દીપાવલીમાં લોકો ઘરને રંગબેરંગી રોશનીથી શણગારે છે. ભારતીય બનાવટના ઝબુકીયા 70 રૂપિયાથી શરૂ થાય છે. તે સામે ચાઈનાના ઝબુકીયા રૂપિયા 30થી શરૂ થતાં હોય છે. પરિણામે ગ્રાહકોની પ્રથમ પસંદગી ચાઇનાની હોય છે. તેજ રીતે ચાઇનાના ઇલેકટ્રોનિક દીવડા, લેમ્પ સહિતની ચાઇનાની ચિજવસ્તુઓ સસ્તી હોવાથી લોકો ચાઈનાની ચિજવસ્તુઓ ખરીદી રહ્યા છે.

વડોદરાની બજારોમાં ચાઈનિઝ દીવડા
વડોદરાની બજારોમાં ચાઈનિઝ દીવડા

દુકાનો, શો-રૂમો અને શોપિંગ મોલ ચાઈનાની રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યા
લાઇટિંગની ખરીદી માટે મુખ્ય બજાર ગણાતા મંગળબજાર, મુન્સીનો ખાંચો અને રાજમહેલ રોડ ચાઈનાની લાઇટોની રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. આ બજારોમાં દુકાનદારો તેમજ નાની-મોટી ઇલેકટ્રોનિક્સની દુકાનોમાં પણ ચાઈનાની લાઇટોની જ માંગ છે. વડોદરા શહેરના માર્ગો ઉપર સીઝનલ વેપારીઓ ચાઇનાના ઇલેકટ્રોનિકસ દીવડાઓ વેચવા બેસી જતાં માર્ગો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. રાજમહેલ રોડ ચાઇનાની લાઇટો, કેન્ડલોથી ઝળહળી ઉઠ્યો છે. દુકાનો, શો-રૂમો અને શોપિંગ મોલ પણ ચાઈનાની રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યા છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, ચીન સાથે ભારતના સબંધો બગડ્યા હોવા છતાં વડોદરાના બજારોમાં ચાઇનાની ચિજવસ્તુઓનું રાજ છે. ચાઇનાની ચિજવસ્તુઓનો વિરોધ કરીને દેશદાઝ દાખવનારા લોકો પણ ચાઇનાની ચિજવસ્તુઓ ખરીદી રહ્યા છે.

વેપારીઓ ગત વર્ષે લાવેલી ચાઇનિઝ લાઇટિંગ વેચી રહ્યા છે
વેપારીઓ ગત વર્ષે લાવેલી ચાઇનિઝ લાઇટિંગ વેચી રહ્યા છે

ચાઈનાની લાઇટિંગ સારી અને સસ્તી હોવાથી અમે ખરીદી રહ્યા છીએ
ગ્રાહક શારદાબહેન પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવાળી હોવાથી અમે ખરીદી કરવા નીકળ્યા છે. બજારમાં ચાઈનાની લાઇટિંગ સારી અને સસ્તી હોવાથી અમે ખરીદી રહ્યા છીએ. ચાઈનાની લાઇટો સરસ છે. લેવા જેવી છે. અમે ચાઇનાની લાઇટો ખરીદી છે. મોટા ભાગના લાઇટિંગ બજારમાં ચાઈનાની જ લાઇટો મળી રહી છે અને તે આપણી સ્થાનિક બનાવટ કરતા સસ્તી છે.

ગ્રાહકો પણ સસ્તી ચાઇનિઝ લાઇટિંગ ખરીદી રહ્યા છે
ગ્રાહકો પણ સસ્તી ચાઇનિઝ લાઇટિંગ ખરીદી રહ્યા છે

વેપારીઓ ગત વર્ષનો ચાઈનાનો માલ વેચી રહ્યા છે
વેપારી જય ઠાકોરે જણાવ્યું હતું કે, આ વખતે ગત વર્ષ જેવી દિવાળી નથી. લાઇટિંગની વાત કરવામાં આવે તો આ વખતે ચાઇનાથી આવતા માલ ઉપર ડ્યુટી વધારી દેવામાં આવી હોવાથી મોટા ભાગના વેપારીઓએ ખરીદી કરી નથી, પરંતુ, ગત વર્ષનો લાખ્ખોનો લાઇટિંગનો માલ હતો તે માલ બજારમાં વેચાઇ રહ્યો છે. બજારમાં ગુબ્બારા, લાઇટિંગની ઘણી વેરાયટી છે. ચાઇનીઝ લાઇટિંગ સસ્તી અને સારી હોવાથી ગ્રાહકો ચાઇનીઝ લાઇટો ખરીદી રહ્યા છે. વડોદરાના બજારમાં ડિજિટલ લાઇટિંગનું પણ વેચાઇ રહી છે. કોરોનાના કારણે 6 માસ સુધી બજારો બંધ રહેવાના કારણે વેપારીઓને ભારે આર્થિક નુકસાન થયું છે. જોકે, આગામી દિવાળીને લઇ બજારોમાં ખરીદી શરૂ થતાં વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. જેમાં લાઇટિંગ બજારમાં ધૂમ ખરીદી શરૂ થઇ છે.

ગત વર્ષનો લાખ્ખોનો લાઇટિંગનો માલ હતો તે માલ બજારમાં વેચાઇ રહ્યો છે
ગત વર્ષનો લાખ્ખોનો લાઇટિંગનો માલ હતો તે માલ બજારમાં વેચાઇ રહ્યો છે
RELATED ARTICLES

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments