ભાજપના બોર્ડની ટર્મ પૂર્ણ થવાના આરે છે, ત્યારે જ વિવાદિત દરખાસ્ત આવતા વિરોધ
વડોદરા શહેરમાં વર્ષો પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને શાળા માટેના પ્લોટ આપવામાં આવ્યા હતા. જેનું ભાડુ રૂ.40 કરોડ રૂપિયા હજી બાકી છે. તેના ભાડા અંગેનો વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે ભાજપના બોર્ડની મુદત પૂર્ણ થવાના આરે છે, ત્યારે ફરી એક વખત તમામ જમીન 99 વર્ષના ભાડાપટ્ટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને આપી દેવાની પેરવી કરવામાં આવતા પુનઃ વિવાદ ઉભો થયો છે.
જમીન 99 વર્ષના ભાડાપટ્ટે પધરાવી દેવાની દરખાસ્ત રજૂ થતાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો
એક બાજુ શૈક્ષણિક સંસ્થાઓ વર્ષોથી જમીનનું ભાડું ભરપાઈ કરતી નથી, ત્યારે બીજી બાજુ જમીન 99 વર્ષના ભાડાપટ્ટે વર્ષ 2008ની જંત્રીના સસ્તા ભાવે પધરાવી દેવાની પેરવી કરવામાં આવતા વિરોધ શરૂ થયો છે. વડોદરા મહાનગરપાલિકાના બોર્ડની મુદ્દત પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સમગ્ર સભામાં વધારાના કામમાં શૈક્ષણિક સંસ્થાઓને વર્ષો પહેલા ફાળવેલી જમીન 99 વર્ષના ભાડાપટ્ટે પધરાવી દેવાની દરખાસ્ત રજૂ થતાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
ટોકન ભાડેથી પ્રીમિયમની રકમ વસુલ કર્યાં વિના જમીન 30 વર્ષના ભાડાપટ્ટે ફાળવાઇ હતી
સમગ્ર સભામાં રજૂ થયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1978માં(1) ઉદય એજ્યુકેશન સોસાયટીને વાર્ષિક રૂ. 1250(2)ધી કેળવણી ટ્રસ્ટને વાર્ષિક રૂપિયા 1410 અને (3) ધી ગુજરાત ન્યુ ઇરા એજ્યુકેશન ટ્રસ્ટ અને રૂપિયા 1240ના ટોકન ભાડેથી પ્રીમિયમની રકમ વસુલ કર્યાં વિના જમીન 30 વર્ષના ભાડાપટ્ટે ફાળવવામાં આવી હતી.
2008માં મુદ્દત પૂરી થતાં ભાડાપટ્ટો રિન્યુ કરાવવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઇ હતી
આ જમીનની ભાડાપટ્ટાની મુદત વર્ષ 2008માં પૂરી થતાં ભાડાપટ્ટો રિન્યુ કરાવવા અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં ભાડા પટ્ટાની મુદત વધુ 10 વર્ષ માટે વધારી સરકારના પરિપત્ર મુજબ પ્રીમિયમની રકમના 50 ટકા રકમની ઉપર 6 ટકા પ્રમાણે ભાડું લેવાનું ઠરાવવામાં આવ્યું હતું. તેમજ રીન્યુઅલ તારીખથી દર વર્ષે આ ભાડાની રકમમાં 3 ટકા પ્રમાણે સૂચિત વધારો કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ સામાન્ય સભાએ વર્ષ 2012માં ઠરાવ મુજબ છેલ્લી જંત્રી પ્રમાણે પ્રીમિયમ ઘણી ભાડાની ગણતરી કરવા ઠરાવ્યું હતું. જે મુજબ ત્રણેય સ્કૂલોને ભાડું ભરપાઈ કરવા જણાવવામાં આવ્યું હતું.
3 સ્કૂલોએ સરકારી પ્લોટના ભાડાના રૂ.40 કરોડ ચુકવ્યા નથી
પાલિકાના આ નિર્ણયની સામે સ્કૂલના વહીવટ કરતાં દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે વર્ષ 2017માં ઓર્ડર મુજબ ડિસ્પોઝ કરવામાં આવી છે અને ઉપરોક્ત સંસ્થાઓને કમિશનર સમક્ષ અરજદારો અને રજૂઆત રૂબરૂમાં સાંભળી યોગ્ય હુકમ કરવા જણાવ્યું હતું. હાલ ઉદય એજ્યુકેશન સોસાયટી પાસેથી વર્ષ 2017-18 સુધીમાં કુલ ભાડાની રકમ રૂપિયા 15.58 કરોડની લેવાને પાત્ર થાય છે, જ્યારે કેળવણી ટ્રસ્ટ પાસેથી કુલ રૂપિયા 17.69 કરોડ અને ધી ગુજરાત ન્યુ ઇરા એજ્યુકેશન ટ્રસ્ટ પાસેથી રૂપિયા 6.79 કરોડ લેવાના બાકી નીકળે છે.
સભામાં આવેલી દરખાસ્તમાં ત્રણ વિકલ્પો રજૂ કર્યાં છે
આ દરખાસ્તમાં ત્રણ વિકલ્પો રજૂ કર્યાં છે, જેમાં વર્ષ 2008થી 2018ના સમયગાળા માટે વર્ષ 2012ની જંત્રીને લઈને આપવાનું નક્કી કર્યું હતું. જેને બદલે વર્ષ 2008ની જંત્રી મુજબ ભાડાની ગણતરી ધ્યાને લઇ સરકારના પરિપત્ર મુજબ રાહત આપી વસુલાત કરવાની થાય તેના ઉપર દર વર્ષે 3 ટકા મુજબનો વધારો નક્કી થયો છે, જેમાં કોઇ રાહત આપવાની હોય તે નિર્ણય લેવાનો રહે છે. વર્ષ 2008થી 2018ના વર્ષ દરમિયાન જે ભાડું ભર્યું ના હોય તેના પર 18 ટકા સાદુ વ્યાજ લેવાનું રહે અથવા તે અંગે પણ જરૂરી રાહત આપી શકાય.
વર્ષ 2008થી વર્ષ 2018 સુધીના 18 ટકા વ્યાજ અંગેની બાબતે પણ નિર્ણય લેવાનો રહેશે
બીજા વિકલ્પમાં વર્ષ 2008થી 99 વર્ષના ભાડાપટ્ટે વર્ષ 2008ના જંત્રી દરથી અથવા બજાર ભાવ જે વધુ હોય કે, પાછલી અસરથી ભાડાપટ્ટે આપવા અંગે નિર્ણય લેવાનો રહે છે તથા તેમજ સરકારના ધોરણે 50 ટકા રાહત આપવાનું રહે છે. વર્ષ 2008થી વર્ષ 2018 સુધીના 18 ટકા વ્યાજ અંગેની બાબતે પણ નિર્ણય લેવાનો રહેશે. જ્યારે ત્રીજા વિકલ્પમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, સૂચિત ભાડું સંસ્થાને યોગ્ય ન જણાય તો સમગ્ર સભા પુનઃવિચારણા બાદ વર્ષ 2008થી 2018 દરમિયાનનું ભાડું નક્કી કરે તે ચુકવણું કરી મિલકત પરત કરવાની રહે છે.