- એક જદિવસમાં ઠંડીનો પારો 4.8 ડિગ્રી ઘટતાં લોકો ઠંડીથી ધ્રુજ્યા : ભરબપોરે હીમ પવનોની અસર વર્તાઇ
- તાપમાન, દિવસનું સૌથી નીચું તાપમાન સવારે 6.30 વાગે નોંધાયું, મહત્તમ તાપમાન પણ 3.6 ડિગ્રી ઘટ્યું
- અસર, લોકોએ ઠંડીથી બચવા ટોપી, સ્વેટરનો સહારો લેવો પડ્યો, રાત્રે કર્ફ્યૂ પહેલાં જ રોડ સૂમસામ બની ગયા
- હવે શું,આજે ઠંડીનો પારો એક અંકમાં નોંધાવાની શક્યતા, આવતી કાલે પણ ઠંડી યથાવત્ રહેશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયા બાદ શહેરમાં સોમવારે 11 કમિીની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો પારો 4.8 ડિગ્રી ગગડીને 6 દિવસ બાદ ફરી 11.2 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ગરમીનો પારો પણ 3.6 ડિગ્રી ઘટ્યો હતો. સવારથી જ ઠંડા પવનોનું જોર વધતાં વાતાવરણ ઠંડુંગાર બન્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત 22મીએ પણ પારો 11.2 ડિગ્રીએ પહોંચ્યો હતો.
શહેરમાં ઠંડા પવનોની અસર રવિવારે મોડી રાતથી જ શરૂ થઈ ગઈ હતી. મોડી રાતે વાતાવરણ ઠંડુંગાર થઈ ગયું હતું. જ્યારે સવારથી ઠંડા પવનોએ ઠંડીનું જોર વધાર્યું હતું, જેના કારણે વહેલી સવારે નોકરી પર જતા લોકો ઠંડીથી ધ્રુજ્યા હતા. જ્યારે સમગ્ર દિવસ લોકોએ ઠંડીથી બચવા ટોપી, સ્વેટરનો સહારો લેવો પડ્યો હતો. રાત્રે કફર્યુ઼ શરૂ થતાં પહેલા જ રોડ સૂમસામ બન્યા હતા.મંગળવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ રહેવાની આગાહી છે.
આગામી 48 કલાક કોલ્ડવેવની અસર
ઠંડા અને સૂકા પવનોના પગલે ભેજનું પ્રમાણ ઘટ્યું છે. જેના પગલે 29 ડિસેમ્બરના રોજ ઠંડીનો પારો સિંગલ ડિજિટ એટલે કે 10 ડિગ્રીથી પણ નીચે પહોંચશે. આગામી 48 કલાક સુધી કોલ્ડવેવની અસર રહેશે. – અંકિત પટેલ, હવામાન શાસ્ત્રી
2 વર્ષ પહેલાં 29 ડિસેમ્બરે પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો હતો
વર્ષ 2018માં કોલ્ડવેવના પગલે 29 ડિસેમ્બરના રોજ ઠંડીનો પારો 7.2 ડિગ્રી નોંધાયો હતો. તે પહેલાં વર્ષ 2014માં ઠંડીનો પારો 9.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ડિસેમ્બર મહિનામાં ઠંડીનો રેકોર્ડ પારો વર્ષ 1983માં 28 ડિસેમ્બરના રોજ 5.5 ડિગ્રી નોંધાયો હતો. બીજી તરફ મંગળવારે સિઝનની સોૈથી વધુ ઠંડી વર્તાશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.