- વડોદરામાં આગમન સમયે સી.આર. પાટીલે પણ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું
- પાટીલને આવકારવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને પદાધિકારીઓની ભીડ ઉમટી પડી
પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ પ્રમુખ બન્યા બાદ પહેલી વખત આજે વડોદરા પહોંચ્યા છે. સી.આર.પાટીલને આવકારવા મોટી સંખ્યામાં કાર્યકરો રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. આ સમયે જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સના લીરાલીરા ઉડતા જોવા મળ્યા હતા આ ઉપરાંત સી.આર.પાટીલે નાકની નીચે માસ્ક પહેર્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નહોતું.
સી.આર. પાટીલ સુરતથી ટ્રેનમાં મુસાફરી કરીને વડોદરા આવ્યા
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપે પેટાચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે પાલિકાની ચૂંટણીઓ આવનાર છે. તેવા સમયે સી.આર.પાટીલ આજે વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સી.આર. પાટીલ સુરતથી ટ્રેનમાં મુસાફરી કરીને વડોદરા આવ્યા હતા. તેમના આગમન સમયે વડોદરા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં વડોદરા ભાજપના નવ નિયુક્ત પદાધિકારીઓ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

ભાજપે ફરી એકવાર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપ્યું
રેલવે સ્ટેશનની લઇને સયાજીગંજ સ્થિત ભાજપ કાર્યાલય સુધી કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. કોરોના કાળમાં શહેરમાં સૌપ્રથમ આ પ્રકારનો માહોલ સર્જાયો હતો અને ભાજપે ફરી એકવાર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું.

સી.આર. પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત વડોદરા આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, સી.આર. પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત વડોદરા આવ્યા છે. અગાઉ તેઓ કરજણ પેટાચૂંટણી માટે વડોદરા નજીક આવ્યા હતા. સી.આર. પાટીલની મુલાકાત આગામી ચૂંટણીની દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવી રહી છે.


