- માત્ર 10 મિનિટમાં 80 % રિસાઇકલ અને 20% નવા પાણીથી કોચ ધોવાશે
- વર્ષે રેલવેને 26.45 લાખ રૂપિયાની બચત થશે, રોજ 240 કોચ ધોઈ શકાશે
વડોદરા. શહેરના નવાયાર્ડ ઇલેક્ટ્રિક લોકોમોટિવ શેડ પાસે આવેલા મેમુ શેડમાં ઓટોમેટીક ટ્રેન વોસ સિસ્ટમનો પ્રારંભ થયો છે. રાજ્યના પ્રથમ મેમુ ટ્રેન ઓટોમેટીક વોશ સિસ્ટમથી વર્ષે રેલવેને રૂ. 26. 45 લાખની બચત થશે. ઓટો કોચ વોશિંગ પ્લાન્ટ એ. સી .ડબલ્યુ .પી . તરીકે જાણીતા આ સિસ્ટમથી 10 મિનિટમાં મેમુ ટ્રેનના રેકને ધોઈ શકાશે. સિસ્ટમ 20% નવા પાણીનો ઉપયોગ કરશે. જ્યારે 80% પાણી રિસાયકલ થયેલું વપરાશે. આ સિસ્ટમથી રોજ 240 કોચ ધોઈ શકાશે. 15મી ઓગસ્ટે વેસ્ટર્ન રેલવેના જી.એમ. આલોક કંન્સલ દ્વારા વીડિયો કોન્ફરન્સથી આ પ્લાન્ટનું ઉદઘાટન કરાયું હતું. આ સિસ્ટમથી કોચની બહાર ની સાઈડ પર કલર અને અન્ય પ્રિન્ટિંગ નું નુકસાન થતું અટકશે તેમજ ડિટરજન્ટ પાઉડરની પણ બચત થશે.
એક કોચ પાછળ 210 લિટર અને વર્ષે 22.99 લાખ લિટર પાણી બચશે
રેલવે દ્વારા પ્રાથમિક તબક્કે રોજના ત્રીસ કોચ ધોવાની ગણતરીએ એક કોચ પાછળ 210 લિટર પાણી બચશે .આ મુજબ વર્ષે 22,99,500 લીટર પાણી બચાવશે. આવી જ રીતે અત્યારની પદ્ધતિથી એક કોચ ધોવા પાછળ રૂપિયા 588 ખર્ચ થાય છે. જ્યારે નવી સિસ્ટમથી 281 રૂપિયા ખર્ચ થશે. જે મુજબ વર્ષે રૂપિયા 26,45,082 બચાવશે.
હાલ કર્મચારીઓને લઈ ટ્રેન ધોવાય છેે
કોરોના મહામારીમાં શિડ્યુલ્ડ ટ્રેન બંધ છે. ત્યારે વડોદરા ખાતે બેસાડેલી નવી ઓટોમેટીક સિસ્ટમ પર રેલવેના કર્મચારીઓ ને લઈ જતી મેમુ ટ્રેન ધોવામાં આવે છે. શિડયુલ ટ્રેન શરૂ થયા બાદ અંદાજે 30 પેર મેમુ ટ્રેનને લાભ મળશે. > ખેમરાજ મીણા, પી.આર.ઓ, વડોદરા રેલવે.